અમદાવાદ
અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન એક વાંધાજનક પોસ્ટ સામે આવી હતી. જેમાં ફેસબુકમાં પોસ્ટ દેશના વડાપ્રધાન વિરોધમાં તથા તેમને જાનથી મારી નાખવાની હતી. જે મામલે સાયબર ક્રાઈમે વધુ તપાસ કરી તો નડિયાદના એક શખસનું નામ જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઈમે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમની ટેક્નિકલ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 25 માર્ચે બપોરે 2 વાગ્યાના અરસામાં સાયબર ક્રાઈમના ધ્યાને એક પોસ્ટ આવી હતી. આ પોસ્ટમાં વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ફેસબુકમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ કરી હતી. તેમજ વડાપ્રધાન વિશે જેમ ફાવે તેમ પોસ્ટ કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.
સાયબર ક્રાઈમની ટેક્નિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પ્રોફાઈલ ધારકની તપાસ કરતા નડિયાદનો શખસ હોવાનું જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઈમે નડિયાદથી શેતલ લોલીયાણીની ધરપકડ કરી હતી. આરોપી ટ્યૂશન કલાસ ચલાવે છે. ક્યાં કારણથી આ પોસ્ટ કરી હતી, તે મામલે પૂછપરછ કરતાં આરોપી દ્વારા કોઈ સાચો જવાબ આપવામાં આવતો નથી. સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.