સુપ્રીમ કોર્ટે પુરુષે અને મહિલાઓ બન્ને માટે લગ્નની ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અનુરોધ કરતી અરજી પર વિચાર કરવાની માંગ ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની પીઠે કહ્યું હતું કે આ મામલો વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કાયદો બનાવવા જેવું કહેવાય, એક જોગવાઈને ખતમ કરવાથી આવી સ્થિતિ પેદા થશે, જયાં મહિલાઓ માટે લગ્ન માટે કોઈ ન્યુનતમ વય નહીં હોય. આ મુદ્દે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું હતું કે જો અદાલત આ બારામાં વિચાર કરશે તો આ સંસદને ન્યૂનતમ વય નકકી કરવાનો નિર્દેશ આપવા જેવું થશે. ઉલ્લેખનીય છે કે શાહીદા કુરેશીએ દાખલ કરેલી અરજીમાં મહિલાઓ માટે લગ્ન માટે કાનૂની વય વધારીને 21 વર્ષ ન્યુનતમ કરવાની માંગ કરાઈ હતી.