રામનવમી એ હિંદુઓનો સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. ત્યારે આ વર્ષે તારીખ 30 માર્ચ એટલે કે આજ રોજ રામનવમીની પૂરા દેશમાં ભવ્યથી ઉજવણી થઇ રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘અયોધ્યાના રામમંદિરનું 70 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. 14 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન પણ થઇ જશે.
રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે.’
રામ મંદિરના આંદોલનમાં ગુજરાતનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ સિવાય દાન આપવામાં પણ ગુજરાતના ઉદ્યોગપતિઓનું વિશેષ યોગદાન રહ્યું છે. જેમાં શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ અને હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયા સિવાય જયંતીભાઈ કબુતરાવાલાએ 5 કરોડનું દાન, લવજી બાદશાહે 1 કરોડનું દાન આપ્યું હતું.