સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને બુધવારે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. કોર્ટે મહારાષ્ટ્ર સહિત તે રાજ્યોની સરકારો પર કડક વલણ અપનાવ્યું હતું, જ્યાં હેટ સ્પીચના મામલાઓ પર કોઇ પ્રતિબંધ નથી. જસ્ટીસ કે.એમ. જોસેફ અને બી વી નાગરથનાની ખંડપીઠે આવી રાજ્ય સરકારોને નપુંસક ગણાવી હતી. ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં નફરતભર્યા ભાષણની ઘટનાઓ માટે રાજ્ય સરકાર જવાબદાર છે.
કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિ તેના સન્માનને સૌથી વધુ પસંદ કરે છે. આવા નિવેદનો કરવામાં આવે છે કે પાકિસ્તાન જાઓ… પરંતુ સત્ય એ છે કે, તેમણે આ દેશને પસંદ કર્યો. ખંડપીઠે મહારાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ સત્તાવાળાઓ સામે નફરતભર્યા ભાષણો કરનારાઓ સામે એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ તિરસ્કારની અરજીની સુનાવણી દરમિયાન આ નિરીક્ષણો કર્યા હતા. “દરરોજ, નાના તત્વો અન્યને બદનામ કરવા માટે ટીવી અને જાહેર પ્લેટફોર્મ પર ભાષણો આપી રહ્યા છે. સુપ્રીમે ટીવી અને જાહેર મંચો પર નફરતી ભાષણ આપનારની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
આદેશ હોવા છતાં જમણેરી સંગઠનો દ્વારા નફરતભર્યા ભાષણને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહેલી મહારાષ્ટ્ર સરકારને ઝાટકતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે “નફરત એક વિષચક્ર છે અને રાજ્યોએ તેની સામે કાર્યવાહી શરૂ કરવી પડશે. ” કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ જણાવ્યું હતું કે આ કોર્ટે નક્કી કરેલા કાયદા મુજબ, જો કોઈ કોગ્નિઝેબલ ગુનો થાય છે, તો રાજ્ય વાંધો ઉઠાવી શકે નહીં અને એફઆઈઆર નોંધાવવા માટે બંધાયેલું છે. ટોચની અદાલતે આ મામલાની વધુ સુનાવણી માટે 28 એપ્રિલે સૂચિબદ્ધ કરી હતી અને મહારાષ્ટ્ર સરકારને આ અરજીનો જવાબ આપવા જણાવ્યું હતું.