મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને 35 થઇ ગયો છે. જેમાં કચ્છનાં 11 લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું.
આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક 15ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ 5 કલાકમાં 21 મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, હાલ મૃત આંક 35 પર પહોંચ્યો છે. જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો ત્યાંના જ રહેવાસી હતા. .
પૂજારી લક્ષ્મીનારાયણ શર્માએ કહ્યું કે તે 2007થી આ મંદિરમાં પ્રાર્થના કરે છે. તેણે કહ્યું કે તેણે તેના જીવનમાં આવો ભયંકર અકસ્માત ક્યારેય જોયો નથી. તેણે કહ્યું કે જ્યારે ફ્લોર અંદર આવી ગયો ત્યારે તે પોતે નીચે પડી ગયો, પરંતુ તે કેવી રીતે તરવું જાણે છે, તેથી તે કોઈક રીતે ઉપર આવ્યો. પરંતુ નજીકમાં ઘણા મૃતદેહો તરતા હતા. પૂજારીએ જણાવ્યું કે મંદિરમાં હવન હંમેશા બહાર જ યોજાય છે, પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી આ વખતે હવન અંદર રાખવામાં આવ્યો હતો.
કલેક્ટરે જણાવ્યું કે, અકસ્માતની ગંભીરતાને જોતા, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આમાં અકસ્માતનું કારણ શોધવાની સાથે સરકારી એજન્સીઓની ભૂમિકા પણ જોવામાં આવશે. કુલ 35 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં 2 લોકો ગુમ છે.
અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી, તેમણે મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. તેમજ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી. આ ક્રમમાં, કેન્દ્ર સરકારે પણ મૃતકોના નજીકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.