વિશ્વ ચેમ્પિયન ફૂટબોલ ટીમ આર્જેન્ટિનાએ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં કોરાસોને 7-0થી કચડી નાખ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. આ દરમિયાન તેણે પોતાની હેટ્રિક પૂરી કરી. મેસ્સીના આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 ગોલ પણ પૂરા થયા હતા. વર્લ્ડ કપ જીત્યા બાદ આર્જેન્ટિનાની આ સતત બીજી જીત છે. આ પહેલા તેણે ફ્રેન્ડલી મેચમાં પનામાને 2-0થી હરાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ પૂરા કરનાર મેસ્સી ત્રીજો ફૂટબોલર છે. તેણે 174 મેચમાં 102 ગોલ કર્યા છે. આ દરમિયાન મેસ્સીએ 54 ગોલમાં મદદ કરી હતી. પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે 198 મેચમાં 122 ગોલ કર્યા છે. તેના પછી ઈરાનના અલી દાઈ બીજા સ્થાને છે. અલીએ 148 મેચમાં 109 ગોલ કર્યા છે.
મેસ્સીએ 100 ગોલ પૂરા કરતાની સાથે જ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે વિશ્વનો પ્રથમ ફૂટબોલ ખેલાડી છે જેણે વર્લ્ડ કપ જીતવાની સાથે સાથે 100 ગોલ પણ કર્યા છે. રોનાલ્ડો અને અલી ડેઈએ 100 થી વધુ ગોલ કર્યા છે, પરંતુ બંને વર્લ્ડ કપ જીતી શક્યા નથી.
લિયોનેલ મેસ્સીએ મેચની શરૂઆત તોફાની અંદાજમાં કરી હતી. તેણે 37 મિનિટમાં હેટ્રિક પૂરી કરી. મેસ્સીએ 20મી, 33મી અને 37મી મિનિટમાં ગોલ કર્યા હતા. આ તેની કારકિર્દીની 57મી હેટ્રિક છે. આ સાથે જ આર્જેન્ટિના તરફથી રમતા તેણે નવમી વખત હેટ્રિક ગોલ નોંધાવ્યો છે. તેમજ મેસ્સીએ આ વર્ષે પ્રથમ વખત એક મેચમાં ત્રણ કે તેથી વધુ ગોલ કર્યા છે.
મેસ્સીએ માત્ર ત્રણ ગોલ જ નહીં પરંતુ એક ગોલ કરવામાં પણ યોગદાન આપ્યું. તેણે 35મી મિનિટે એન્ઝો ફર્નાન્ડીઝને ગોલમાં મદદ કરી હતી. મેસ્સીએ આ સીઝનમાં 22મી વખત ગોલ કરવામાં મદદ કરી છે. આ સિવાય તેણે આર્જેન્ટિનાને 54મી વખત અને સિનિયર લેવલ પર કુલ 354 વખત મદદ કરી હતી.
આર્જેન્ટિના માટે માત્ર મેસ્સી જ નહીં અન્ય ચાર ખેલાડીઓએ પણ ગોલ કર્યા હતા. નિકોલસ ગોન્ઝાલેઝ (23મો), એન્ઝો ફર્નાન્ડીઝ (35મો), અનુભવી એન્જલ ડી મારિયા (78મો) અને ગોન્ઝાલો મોન્ટિઅલ (87મો) ગોલ કર્યા હતા.