અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. હવે આ મહાઠગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટએ તપાસ શરૂ કરી છે. વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી છે.
કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સના માલિકને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી રાવપુરા પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી. ત્યારે વર્તમાન સમયમાં કિરણ પટેલના કરતૂતો બહાર આવતા ઇ.ડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઇ.ડી.ના ધ્યાને આ કેસની વિગતો આવતા એક ટીમ વડોદરા આવી છે અને કિરણ પટેલના કેસની વિગતો મેળવી તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય એક કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ છે. કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદ લવાશે. હાલ કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. લગભગ 6 દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન પચાવી પાડવા અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્નીની ધરપકડ કરી હતી.