રામનવમીએ બિહાર શરીફ અને સાસારામમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન સાસારામમાં આજે સવારે ફરી બોમ્બ ધડાકાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોચી ટોલા વિસ્તારના ચેડીલાલ ગલીમાં એક ઘરના ઉપરના ભાગમાં સવારે 4 વાગ્યે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
બિહારનાં સાસારામનાં મોચી ટોલા વિસ્તારના ચેડીલાલ ગલીમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનાને જેણે પણ અંજામ આપ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ બોમ્બ ફેંકનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રશાસને આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ સાથે સાસારામમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ ટીમ લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારે હિંસા દરમિયાન જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
બંગાળમાં ફરી એકવાર હિંસા, BJP નેતા ઘાયલ
બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે જેમાં ભાજપના નેતા બિમન ઘોષ ઘાયલ થયા છે. પોલીસે હુગલીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચાર્જ સંભાળ્યો છે અને હિંસાગ્રસ્ત ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારના નાલંદા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 4 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે, સમગ્ર શહેરમાં કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે અને રોહતાસમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ છે.