સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2019માં મોદી અટક પર ઘસાતું બોલવા બદલ થયેલા કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની જેલની સજા કરાઈ છે, હવે આ સજા સંભળાવ્યાના 10 દિવસ પછી રાહુલ ગાંધી પોતાને થયેલી સજા પર સ્ટે મૂકવા માટે સોમવારે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરશે. રાહુલ ગાંધીના વકીલ આ સજા પર રોક લગાવવા અંગે અરજી દાખલ કરવાના છે. કોંગ્રેસને આશા છે કે રાહુલ ગાંધીને જે સજા સંભળાવવામાં આવી છે તેના પર સેશન્સ કોર્ટ તેમના પક્ષમાં ચૂકાદો સંભળાવશે.
માનવામાં આવે છે કે, કોર્ટમાં આજે રાહુલ ગાંધી તેમના સિનિયર વકીલોની ફોજ સાથે હાજર રહી શકે છે. આ દરમિયાન AICC જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, દિગ્વિજય સિંઘ અને આનંદ શર્મા હાજરી આપી શકે છે. એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, છત્તીસગઢ અને હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીઓ પણ તેમનો સુરતની કોર્ટમાં હાજરી દરમિયાન સાથ આપી શકે છે.
રાહુલ ગાંધી તરફથી સજા પર સ્ટે અંગે જે અરજી કરવામાં આવશે તેને હેંડલ કરવા માટે રાજ્યસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા વકીલ અભિષેક સિંઘવી અને સિનિયર વકીલ આરએસ ચીમા પણ ઉપસ્થિત રહેશે તેમ મીડિયા રિપોર્ટ્સમાં જણાવાઈ રહ્યું છે. ગુજરાતમાં રહેલા રાહુલ ગાંધીના વકીલ કીર્તિ પાનવાલા જણાવે છે કે, અમે સોમવારે સુરતની નીચલી કોર્ટે માનહાનીના કેસમાં જે ચૂકાદો આપ્યો છે તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાના છીએ, 23મી માર્ચે વર્ષ 2019ના મોદી અટક પર થયેલા માનહાનીના કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા.