ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે એલન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો છે. એટલે કે હવે ટ્વિટર પરથી વાદળી પક્ષી (ચકલી) ગાયબ થઈ ગયું છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, ટ્વિટરે ‘ડોગી’ને પોતાનો નવો લોગો બનાવ્યો છે. ટ્વિટરના માલિક એલન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેના પછી માનવામાં આવે છે કે, ડોગી ટ્વિટરનો નવો લોગો હશે.
સોમવાર રાતથી વપરાશકર્તાઓને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ કૂતરો જોવાનું શરૂ થયું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે, શું દરેકને ટ્વિટર લોગો પર કૂતરો દેખાય છે. થોડી જ વારમાં #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે, કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.
એલન મસ્કે મંગળવારે રાત્રે લગભગ 12:20 વાગ્યે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં વાદળી પક્ષીનો ફોટો છે (જૂનો Twitter લોગો). જે બાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, “આ જુનો ફોટો છે”. મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે, એલન મસ્કે લોગો બદલ્યો છે.
એલન મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેના કેપ્શનમાં મસ્કે લખ્યું, “ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે.” ફોટામાં ટ્વિટરના સીઈઓની ખુરશી પર એક કૂતરો બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ રાખવામાં આવ્યો હતો, જેમાં આ કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું. આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો. જોકે ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યા છે.