વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હોઇ તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે.
વિગતો મુજબ વડોદરામાં પથ્થરમારાની ઘટના વચ્ચે પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે એક નવી પોસ્ટ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ગૃહ વિભાગ દ્વારા લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. આ સાથે ગૃહ વિભાગ ટુંક સમયમાં નવા એડિશનલ પોલીસ કમિશનરની જાહેરાત કરશે.
વડોદરામાં રામ નવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાન મામલે SITની ટીમે તપાસ શરૂ કરી છે. SITની ટીમે CCTV,વીડિયો અને ફોટોના આધારે તપાસ શરૂ કરી છે.પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધી 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભડકાઉ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરવામાં આવી છે.
3 પોલીસ સ્ટેશનના PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સિટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.






