જે રીતે દેશમાં કોરોનાનું સંક્રમણ અને દરરોજ નોંધાતા કેસ વધી રહ્યા છે તે ધ્યાનમાં લઈએ તો વિશ્વનાં સૌથી વધુ પાંચ સંક્રમિત દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. રવિવારે દક્ષિણ કોરિયામાં દરરોજ નોંધાતા સૌથી વધુ કેસનો આંકડો ૯,૭૨૪ હતો જ્યારે બીજા નંબરે રશિયામાં ૯,૫૯૧, ત્રીજા નંબરે જાપાનમાં ૬,૨૯૦, ચોથા નંબરે ફ્રાન્સમાં ૬,૦૨૭ અને પાંચમાં નંબરે ભારતમાં ૩,૬૪૧ લોકો સંક્રમિત થયા હતા.
દેશમાં કોરોનાએ કાળો કેર મચાવવાનું શરૂ કર્યું છે. ભારત ફરી વિશ્વનાં ટોચના પાંચ સંક્રમિત દેશમાં સ્થાન પામ્યુ છે જેને કારણે સત્તાવાળાઓની ચિંતા વધી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩,૬૪૧ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેને પરિણામે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૦,૨૧૯ થઈ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રવિવારે કોરોનાથી સંક્રમિત વધુ ૧૧ દર્દીનાં મોત થયા છે. જેમાં કેરળમાં ૪, મહારાષ્ટ્રમાં ૩, દિલ્હીમાં ૩, કર્ણાટકમાં તેમજ રાજસ્થાનમાં ૧-૧ વ્યક્તિનાં મોત નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની કુલ સંખ્યા વધીને ૫,૩૦,૮૯૨ થઈ છે.
કોરોનાનો ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને ૬.૧૨ ટકા થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ ૨.૪૫ ટકા રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૨૬,૨૪૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો કે હોસ્પિટલ અને ઘરે સારવારને કારણે ૪,૪૧,૭૫,૧૩૫ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ૧.૧૯ ટકા દર્દીઓનાં મોત થયા છે. દેશવ્યાપી વેક્સિનેશન ઝુંબેશ હેઠળ વેક્સિનનાં કુલ ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
કોવોવેક્સ વેક્સિનને કોવિન પોર્ટલ પર સામેલ કરવા માંગ
ફરી એકવાર દેશમાં કોરોનાની ઝડપ વધી રહી છે તેની વચ્ચે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને પોતાની કોવિડ વેક્સિન કોવાવેક્સને પુખ્ત લોકો માટે વિષમ બૂસ્ટર ડોઝના રૂપમાં કોવિન પોર્ટલ પર સામેલ કરવાની માંગ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સીરમે અગાઉ પણ આ અંગે માંગ કરી હતી. કોવિડ-૧૯ વર્કિંગ ગ્રૂપે પણ સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિન પોર્ટલ પર કોવોવેક્સને સામેલ કરવા માટેની ભલામણ કરી હતી. તેના પહેલાં ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની એક તજજ્ઞ પેનલે પણ કોવોવેક્સને બજારમાં ઉતારવાની ભલામણ કરી હતી.





