અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે સમગ્ર દેશના મુખ્ય હિન્દુ ધર્મ આચાર્ય સભાની મહત્વની બેઠકમાં દેશમાં જનસંખ્યાના વધતા અસંતુલનને ચિંતાનો વિષય ગણાવી સરકાર વહેલી તકે યુનિફોર્મ સિવિલ કોડ લાવે તેવી માંગણી સાથે ચાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા. તે સાથે હિન્દુત્વ-ધર્મ માટે પડકારરૂપ બનતી સોશિયલ મીડીયા અને ઓટીટીમાં વધતી અશ્લીલતા ઉપર સરકાર સોશ્યલ મીડીયા અને ઓટીટીમાં વધતી અશ્લીલલતા ઉપર સરકાર યોગ્ય નિયંત્રણ લાવે તેવી પણ માંગણી કરાઈ હતી. હિન્દુ મંદિર અને મઠોને રાજય સરકારના વહીવટ-હસ્તક્ષેપથી મુક્ત કરવા સાથે હિન્દુઓના પૈસા હિન્દુઓ માટે જ વપરાય તે માટે પણ પ્રસ્તાવ કરાયો હતો. સભાની બેઠકમાં દેશભરના વિવિધ પંથના ધાર્મિક અગ્રણી ઉપરાંત સંઘસરચાલક મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહે ઉપસ્થિત રહી ધર્માચાર્યો, નિષ્ણાંતો, પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો સાંભળ્યા હતા અને પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
હિન્દુ ધર્મ સામેના પડકારો અંગે 200 વર્ષ જુના સંપ્રદાયોની પ્રમુખ સંસ્થા હિન્દુ ધર્મ આચાર્ય સભાની આઠમી મહત્વની બેઠક લોકસભા ચૂંટણીના એક વર્ષ પુર્વે જ જામી રહેલા માહોલમાં મળી હતી. જેમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નાથ સંપ્રદાય સહિત 65 જેટલા દેશભરના ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જે નિર્ણય લેય કે સૂચનો કરાય છે તેને કેન્દ્ર સરકાર પણ ગંભીરતાથી લેતી હોય છે અને ભૂતકાળની બેઠકોના અનેક નિર્ણયોનો અમલ પણ કરાયો છે તે જોતા આ બેઠક ધાર્મિક સાથે રાજકીય દ્દષ્ટિએ પણ મહ્ત્વની છે.
હિન્દુ ધર્મને લગતી બાબતોનો આગામી એજન્ડા નકકી કરતી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને આરએસએસના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય સભાના અધ્યક્ષ જુનાપીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, આજે ભારતની સમગ્ર વિશ્વમાં અદભૂત સ્વીકૃતિ થઈ રહી છે. અનેક પડકારો અને સંઘર્ષો વચ્ચે દુનિયા ભારત તરફ આશાની દ્દષ્ટિએ જોઈ રહી છે ત્યારે ભારતના અભ્યુદયમાં ધર્માચાર્યોની મુખ્ય ભૂમિકા છે. જગદગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીએ નવી શિક્ષણ નીતિમાં ધર્મના શિક્ષણનો સમાવેશ, સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન પર ભાર મૂકયો હતો. સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, હિન્દુત્વ ફકત જીવનશૈલી જ નહીં પણ વિઝન ઓફ ટ્રુથ એટલે કે સત્યનું દર્શન પણ છે. તેમણે સોશ્યલ મીડીયા-ઓટીટી પ્લેટફોર્મમાં અપાતી અસાંસ્કૃતિક સામગ્રી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
અયોધ્યા મંદિરના વિવાદના સાનુકુળ ઉકેલ પછી કાશી વિશ્વનાથ મંદિર, મહાકાલ કોરિડોર જેવા હિન્દુ આસ્થાના પ્રતીકના ઉત્થાનના પગલાં લીધા છે એવી જ રીતે હવે બાકીના મંદિરોના પુનરોત્થાન, પુનરોદ્ધારની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી શકે તેના મંથન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હિન્દુ ધર્મ આચાર્ય સભાની આઠમી વાર્ષિક બેઠક અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસ માટે યોજાઈ હતી. આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દા પર વિશેષ ફોકસ ચર્ચા થઈ હતી. સોમવારે સમાપન બેઠકમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવત તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહે ઉપસ્થિત રહી ધર્માચાર્યો, નિષ્ણાંત, પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો સાંભળ્યા હતા અને પોતાના મંતવ્યો પણ રજુ કર્યા હતા.
ભાગવત અને અમીતભાઈ વચ્ચે બંધબારણે એક કલાક ગુફતેગુ
સભા પુરી થયા પછી ભાગવત અને અમીતભાઈ વચ્ચે બંધબારણે એક કલાક સુધી ગુફતેગુ થઈ હતી, જે ઘણી સૂચક મનાઈ રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વચ્ચેની બેઠકમાં સાંપ્રત બાબતો ઉપરાંત આગામી સમયમાં હાથ ધરાનારા સંઘના વિવિધ કાર્યક્રમોને લઈ વિસ્તૃત ચર્ચા તેમજ રામમંદિરના લોકાર્પણ કાર્યક્રમ પુર્વેની તૈયારીઓ સંદર્ભે ચર્ચા થઈ હતી. મુખ્ય બાબત યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાનો સભામાં ઠરાવ થયો હતો.





