આતંકી યાસીન ભટકલ સામે ચાર્જશીટથી મોટા ઘટસ્ફોટ થયા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હી કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. આતંકી યાસીન ભટકલ સુરતમાં પરમાણુ હુમલો કરવાનો હતો. આ ઉપરાંત તેણે દિલ્હી અને અન્ય સ્થળોએ પણ પરમાણુ હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. યાસીન ભટકલ પાસેથી અનેક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, અત્યાચારની વાતો કરી ભટકલ યુવાનોને આતંકવાદી જૂથમાં સામેલ કરતો હતો.
કોર્ટે વર્ષ 2012માં દેશની વિરુદ્ધ યુદ્ધ છેડવાનું ષડયંત્ર રચવા મામલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ-સ્થાપક યાસીન ભટકલ અને અન્યને પ્રથમ દ્રષ્ટીએ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે ભટકલ અને અન્ય આરોપીઓ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે તેઓએ કથિત રીતે સુરતમાં પરમાણુ બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે જણાવ્યું કે, આરોપીઓની ચેટથી જાણવા મળે છે કે સુરત શહેરમાં પરમાણુ બોમ્બ પ્લાન્ટ કરવાના હતા. કોર્ટે જણાવ્યું કે, આરોપીઓ સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવાઓ છે. કોર્ટે આદેશમાં જણાવ્યું કે, ભટકલ આ પહેલા પણ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં અન્ય આરોપીઓ સાથે સામેલ હતો, આ ઉપરાંત હથિયાર અને દારૂગોળો એકત્ર કરવા માટે નેપાળમાં માઓવાદીઓની મદદથી ભવિષ્યની આતંકવાદી ગતિવિધિઓની યોજનામાં પણ સામેલ હતો. કોર્ટે ભટકલ, અંસારી, મોહમ્મદ આફતાબ આલમ, ઈમરાન ખાન, સૈયદ, ઓબેદ ઉર રહેમાન, અસદુલ્લા અખ્તર, ઉઝૈર અહેમદ, મોહમ્મદ તહસીન અખ્તર, હૈદર અલી અને ઝિયા ઉર રહેમાન સામે આરોપો નક્કી કર્યા છે. આ સાથે કોર્ટે મંઝર ઈમામ, અરિઝ ખાન અને અબ્દુલ વાહિદ સિદ્દીબપ્પાને નિર્દોષ જાહેર કર્યા છે.
વિદેશમાં ભંડોળ પણ પ્રાપ્ત થયું
તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો અને તેની સાથે સંકળાયેલા સંગઠનોને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે હવાલા દ્વારા વિદેશમાંથી નિયમિત ભંડોળ પ્રાપ્ત થયું. આરોપીઓ ષડયંત્ર અંતર્ગત નવા સભ્યોની સાથે બાબરી મસ્જિદ, ગુજરાત રમખાણો અને મુસ્લિમો પરના અન્ય કથિત જુલમનો ઉલ્લેખ કરતા હતા, જેનાથી મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવીને તેમને પોતાના સંગઠનમાં ભરતી કરી શકાય.





