આજથી કચ્છથી અમદાવાદને જોડતી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે કચ્છના સાંસદે વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવીને ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. આજથી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. હવે કચ્છવાસીઓ એક દિવસમાં અમદાવાદ જઈને પરત આવી શકશે.
આ તકે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, ‘કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ટ્રેનની ભેટ મળી છે. હું ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છું.’ તેમણે જણાવ્યું કે, ‘ લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજથી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. હું આપના માધ્યમથી કચ્છની જનતાને અપીલ કરી છું કે તેઓ વધુમાં વધું આ ટ્રેનનો ઉપયોગ કરે અને ટ્રેનનો લાભ લે. આવનાર સમયમાં આ ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ કરીશું’
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ અને અમદાવાદ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. દર અડધી કલાકે અમદાવાદથી કચ્છ જવા અને કચ્છથી અમદાવાદ આવવા એસટીની બસો મળી રહે છે. જેથી કચ્છવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે હવે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.