પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદીમાં પણ મુંબઈને સ્થાન મળ્યું છે. લંડન સ્થિત મીડિયા આઉટલેટ ‘ટાઈમ આઉટ’ એ વિશ્વના સર્વશ્રેષ્ઠ જાહેર પરિવહન ધરાવતા 19 શહેરોની યાદી બહાર પાડી છે. આ યાદી ટાઈમ આઉટ દ્વારા કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. આ યાદીમાં સામેલ થનાર ભારતનું એકમાત્ર શહેર મુંબઈ છે. 19 શહેરોની આ યાદીમાં જર્મનીનું બર્લિન પ્રથમ સ્થાને છે. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગને બીજું સ્થાન મળ્યું છે. ત્રીજા સ્થાને જાપાનની રાજધાની ટોક્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ટોપ 10 શહેરોની વાત કરીએ તો બર્લિન, પ્રાગ, ટોક્યો, કોપનહેગન, સ્ટોકહોમ, સિંગાપોર, હોંગકોંગ, તાઈપેઈ, શાંઘાઈ અને એમ્સ્ટરડેમને ક્રમશઃ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં લંડન 11મા ક્રમે, સ્પેનનું મેડ્રિડ 12મું, યુકેનું એડિનબર્ગ 13મું, ફ્રાંસનું પેરિસ 14મું, યુએસનું ન્યુયોર્ક 15મું, કેનેડાનું મોન્ટ્રીયલ 16મું, યુએસનું શિકાગો 17મું, ચીનનું બેઈજિંગ 18મું અને ભારતનું મુંબઈ 19મું સ્થાન ધરાવે છે. યાદીમાં ટોચના 10 શહેરોમાંથી પાંચ એશિયાના છે.
ટાઈમ આઉટનો દાવો છે કે આ યાદી તૈયાર કરવા માટે વિશ્વના 50 શહેરોમાં 20,000 લોકો સાથે તેમની સ્થાનિક પરિવહન વ્યવસ્થા અંગે સલાહ લેવામાં આવી હતી. સર્વેક્ષણ મુજબ, બર્લિનમાં સૌથી વિશ્વસનીય, સલામત અને આરામદાયક જાહેર પરિવહન નેટવર્ક છે. તેના 97 ટકા રહેવાસીઓએ શહેરમાં જાહેર પરિવહન, ખાસ કરીને તેની મેટ્રો સિસ્ટમ U-Bahnની પ્રશંસા કરી. બર્લિનમાં મેટ્રો માટે નવ લાઇન છે, જેની નીચે 175 સ્ટેશન આવે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ટોક્યોમાં જાપાનીઝ ભાષા નથી જાણતા તેઓ સરળતાથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે છે. મુંબઈ વિશે, સર્વેમાં 81 ટકા સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું કે લોકલ ટ્રેન, બસ, રિક્ષા, મેટ્રો અને ટેક્સી જેવા સાર્વજનિક પરિવહન દ્વારા શહેરને પાર કરવું સરળ છે. આ સિસ્ટમ ચોક્કસપણે મહાનગરને ગતિશીલ રાખે છે.






