ફેક વિઝા પર અમેરિકા જઈ રહેલા મહેસાણાના પલીયડના શખ્સને તુર્કીમાં પકડી પાડવામાં આવ્યો છે. એજન્ટનું સેટિંગ બગડતા યુવક પકડાઈ ગયો છે. પકડાયેલા પ્રિત પટેલ નામના યુવકે તાત્કાલિક ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે.
અમેરિકા જવા માટે નીકળેલો વધુ એક ગુજરાતી યુવાનો પકડાયો છે. આ વખતે પલીયડનો પાટીદાર યુવક અમેરિકા જઈ રહ્યો હતો અને તુર્કીમાં તે પકડાયો છે. ફેક વિઝા પર તુર્કી પહોંચેલા યુવકની એજન્ટ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે પહેલા જ તેને તુર્કીની સ્થાનિક એજન્સી દ્વારા પકડી લેવામાં આવ્યો છે. પ્રિત પટેલ નામના યુવક સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતીઓ જે ડોક્યુમેન્ટ્સ અને વિઝા પર તુર્કી જાય છે તે પણ મોટાભાગે ફેક જ હોય છે. ગત અઠવાડિયે ગાંધીનગરના એક યુવકને ઈસ્તાંબુલથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ યુવક પાસે જે વિઝા હતા તે ફેક હોવાનું ઈસ્તાંબુલ એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટી સ્ટાફે પકડી લીધું હતું.
પલિયડ ગામનો પ્રિત પટેલ નામનો આ યુવક ઈસ્તાંબુલ એરપોર્ટ પર એજન્ટના માણસને નહોતો મળી શક્યો, આ માણસ દ્વારા જ તેને મેક્સિકો મોકલવાનો હતો, પરંતુ તે પહેલા જ તે તુર્કી એરપોર્ટ પર તૈનાત સિકર્યોરિટીના હાથમાં આવી જતાં તેને ત્યાંથી જ તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે પણ આ અંગે પુષ્ટી કરતા જણાવ્યું હતું કે પ્રિત પટેલ નામના યુવકને તુર્કીથી ડિપોર્ટ કરાયો હતો, અને તે જે ફ્લાઈટમાં દિલ્હી આવ્યો હતો, ફ્લાઈટ લેન્ડ થઈ તે સાથે જ તેને ઈમિગ્રેશનના અધિકારીઓને સોંપી દેવાયો હતો.
પ્રિત ફેંક વિઝા પર તુર્કી ગયો હોવાથી તેને ત્યાં એન્ટ્રી જ નહોતી અપાઈ, અને એજન્ટ કોઈ બીજી વ્યવસ્થા કરે તે પહેલા તો તે પકડાઈ ગયો હતો. પ્રિતને જે પાસપોર્ટ અપાયો હતો તેના પર કલોલના એક એજન્ટે તુર્કીના ફેક વિઝા સ્ટેમ્પ લગાવી આપ્યા હતા. એજન્ટના પ્લાન અનુસાર, પ્રિત ઈસ્તાંબુલ એરપોર્ટ લેન્ડ થાય ત્યારે ત્યાંથી એજન્ટનો એક માણસ તેને લેવા આવવાનો હતો. જોકે, પ્રિતનું કામ જેણે હાથમાં લીધું હતું તે ગાંધીનગરનો એજન્ટ આ વ્યવસ્થા નહોતો કરી શકયો અને તે દરમિયાન પ્રિત પકડાઈ ગયો હતો. દિલ્હી પોલીસે પ્રિત સામે ઠગાઈ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘણા ગુજરાતી તુર્કીમાં ફસાયા છે, જ્યારે અમુક અમેરિકા પહોંચવામાં સફળ
ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો ગુજરાતના એજન્ટોએ તુર્કીમાં પોતાના ક્લાયન્ટ્સને રહેવા-જમવા માટે વ્યવસ્થા ઉભી કરી છે. જોકે, ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપમાં એજન્ટોના આવા અનેક ટ્રાન્ઝિટ હોમ તૂટી પડ્યા હોવાથી તેમની ગણતરી ખોરવાઈ ગઈ છે. આ ગાળા દરમિયાન ઘણા ગુજરાતી તુર્કીમાં ફસાયા છે, જ્યારે અમુક અમેરિકા પહોંચવામાં સફળ પણ રહ્યા છે. અગાઉ પણ એવા અહેવાલ આવ્યા હતા કે તુર્કીમાં એજન્ટોના સેટિંગ ખોરવાતા તેમણે રૂટ બદલ્યો છે.




