રાહુલ ગાંધીને સજા સંભળાવનાર ન્યાયાધીશને ધમકી આપવા બદલ તમિલનાડુ પોલીસે કોંગ્રેસના નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
તમિલનાડુના એક કોંગ્રેસી નેતાએ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો રાહુલ ગાંધીની સજા પર ચુકાદો આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. જે મુદ્દે કોંગ્રેસ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 23 માર્ચે ગુજરાતના સુરત સ્થિત કોર્ટ ખાતે જસ્ટિસ એચ વર્માએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં મોદીની અટક પર આપેલા નિવેદન માટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણયને કારણે રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી.
તમિલનાડુના ડિંડીગુલમાં પાર્ટીના એસસી, એસટી મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ડિંડીગુલના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મણિકંદને જણાવ્યું હતું કે, 23 માર્ચે સુરત કોર્ટના ન્યાયાધીશે અમારા નેતાને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સાંભળે જસ્ટિસ વર્મા જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અમે તમારી જીભ કાપી નાખીશું. ડિંડિગુલ પોલીસે કૉંગ્રેસના નેતા વિરુદ્ધ ન્યાયાધીશને ધમકી આપતા નિવેદન બદલ કેસ નોંધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.


