પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને  પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાનનો ભારત પ્રેમ સામે આવ્યો છે. ઈમરાન ખાને ફરી એકવાર ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. ઇમરાને કહ્યું કે, પાકિસ્તાન ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા માંગતું હતું. પરંતુ તેઓ આમ કરી શક્યા ન હતા કારણ કે તેમની સરકાર પડી ગઈ હતી. ઈમરાન ખાને દેશને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે, મે ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા ઈચ્છતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે દુર્ભાગ્યવશ મારી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવના કારણે પડી ગઈ. નોંધનીય છે કે, છેલ્લા 23 વર્ષમાં મોસ્કોની મુલાકાત લેનારા તેઓ પહેલા પાકિસ્તાની PM હતા.
મહત્વનું છે કે, પાકિસ્તાન તેના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને ખાને એ હકીકત પર દુખ વ્યક્ત કર્યું કે, તેમનો દેશ સબસિડીવાળા દરે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે, જે યુક્રેન યુદ્ધ છતાં ભારતને મળી રહ્યું છે. ગયા વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે દિવસે તેઓ રશિયામાં હતા. પોતાના વીડિયોમાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે ઇમરાન ખાને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા અને પશ્ચિમી દબાણ છતાં રશિયન તેલ ખરીદવામાં ભારતની સિદ્ધિઓનો સ્વીકાર કર્યો. તેમણે સપ્ટેમ્બર 2022માં એક જાહેર સભામાં કહ્યું હતું કે, ‘નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતાની પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડાપ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે ?
			

                                
                                



