મકાન, કાર, ટીવી, ફ્રીઝ અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ EMI પર ખરીદી હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કેરી EMI પર વેચાતી હોય? પૂણેના એક વેપારી માસિક હપ્તા પર લોકોને કેરી વેચી રહ્યા છે
કેરીની આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે, જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે, જે અન્ય દુકાનો પર નથી મળતી. અહીં ગ્રાહક EMI પર કેરી ખરીદી શકે છે. રિટેઈલમાં માસિક હપ્તા પર કેરી વેચતી કદાચ આ દેશની પહેલી દુકાન છે. પૂણેના વેપારી ગૌરવ સનસ 12 વર્ષથી કેરીનો વેપાર કરે છે, પણ EMIનો વિકલ્પ તેમણે પહેલીવાર અપનાવ્યો છે. તેઓ ગ્રાહકોને ત્રણ મહિનાથી લઈને 18 મહિનાના હપ્તા કરી આપે છે.
મોંઘી કેરી વેચવા પૂણેના વેપારીનો નવો કીમિયો ચાલુ કર્યો છે. 18 મહિના સુધીના EMI પર કેરીનું વેચાણ થાય છે. 600થી 1300 રૂપિયા ડઝનના ભાવે વેચાતી રત્નાગીરી આફૂસ કેરી હવે ઈએમઆઈ પર મળશે. EMI ની સુવિધા માટે ગ્રાહકે 5 હજારની કેરી ખરીદવી જરૂરી છે. ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારીનું આયોજન છે. વેપારી ગૌરવ સનસનો દાવો છે કે તેમની દુકાન પર વેચાતી હાફુસ સહિતની કેરીઓ કુદરતી રીતે પાકેલી હોય છે, તેને પકવવા કેમિકલનો ઉપયોગ નથી કરાતો.
જો આ વર્ષે EMI પર કેરીના વેચાણને સારો પ્રતિસાદ મળશે, તો આવતા વર્ષે ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારી ગૌરવ સનસનું આયોજન છે. હવે ગ્રાહકોએ વિચારવાનું છે કે તેમણે પૈસા ખર્ચ્યા બાદ કેરીનો સ્વાદ માણવો છે, કે પછી કેરીનો સ્વાદ માણ્યા બાદ હપ્તા ચૂકવવા છે.






