કોઈપણ અપરાધમાં આરોપીની પોલીસ કસ્ટડી અંગે એક મહત્વની વ્યાખ્યામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યુ કે ધરપકડ અને અદાલત દ્વારા આરોપીને પોલીસ કસ્ટડીમાં સુપ્રત થાય તો આ સમય દરમ્યાન આરોપીને જો સારવાર કે કોઈપણ રીતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે તો તે સમયગાળો પોલીસ કસ્ટડીનો ભાગ ગણાશે નહી અને તે મુજબ પોલીસ કસ્ટડી વધારવાની અદાલતને સતા હશે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમંત્રી એમ.આર.શાહની ખંડપીઠે સ્પષ્ટ કર્યુ હતું કે પોલીસ કસ્ટડીનો હેતુ આરોપીની પુછપરછ અને અપરાધ અંગેની માહિતી-પુરાવા મેળવવા માટેનો છે જે અને જો આરોપી માંદગી કે અન્ય રીતે હોસ્પીટલમાં દાખલ થઈને આ પ્રકારે પુછપરછનો સમય વિતાવે તે સ્વીકાર્ય બની શકે નહી. કારણ કે તેનાથી તપાસ એજન્સી મહત્વનો સમય ગુમાવે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આજના દિવસોમાં એ બહું સામાન્ય બની ગયું છે કે કોઈપણ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં સુપ્રત કરવામાં આવે તે સમયે આરોપીનું સ્વાસ્થ્ય ઓચિંતુ લથડે છે અને તે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઈ જાય છે. જેના કારણે પોલીસ તેની પુછપરછ ગુન્હા અંગેની માહિતી મેળવવા કે પુરાવા એકત્ર કરવાનો સમય ગુમાવે છે.
કોલસા-કૌભાંડમાં આરોપીની પુછપરછ માટે વધુ સમય આપવાની સીબીઆઈની માંગણી મંજુર રાખતા સમયે સર્વોચ્ચ અદાલતે આ નિરીક્ષણ વ્યક્ત કર્યાનું અગાઉ તમામ એજન્સીને આ માટે આરોપીની સાત દિવસની કસ્ટડી આપવામાં આવી હતી પણ તે સમયે ફકત બે દિવસનો સમય જ પુછપરછ થઈ શકી હતી. કારણ કે આરોપીનું સ્વાસ્થ્ય લથડતા તેને હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ આરોપીને પુછપરછની પ્રક્રિયા સામે રમત કરવા દેવામાં આવે નહી. કારણ કે તે અદાલતી પ્રક્રિયાનો એક ભાગ છે અને જો તેમ કરવાની છૂટ અપાય તો સમય ન્યાયિક પ્રક્રિ સામે ‘રમત’ની છૂટ આપવા જેવું ગણાશે.






