ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગરમી જોર પકડી રહી છે આ વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. ગરમ-સૂકા પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. હજુ 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, સાઈક્લોનિક સર્ક્યુલેશનથી 13-14 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.






