મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને ઘણા બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. આ તમામ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી છે અને તેને ચિંતાજનક ઘટના ગણાવી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સાગિંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પાજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. આ પ્રાંત દેશના બીજા સૌથી મોટા શહેર મંડલયની ઉત્તરે લગભગ 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે. અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ હતો. અહીં ઘટનાની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અશક્ય હતી કારણ કે, ત્યાંની લશ્કરી સરકાર દ્વારા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે.
સૈન્ય સરકારના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને, સરકારી ટેલિવિઝનને આપેલા એક ફોન નિવેદનમાં સ્વીકાર્યું કે, બળવાખોર જૂથની ઓફિસના ઉદઘાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.





