ભાવનગર, તા.૧૨
ભાવનગરમાં આગામી તા.૨૩ એપ્રિલને અખાત્રીજના પર્વે જૈન સમાજ દ્વારા આયોજીત ઇક્ષુરસોત્સવમાં સહભાગી થવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાવનગર આવશે તેમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત આયોજકોએ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતની ભાજપની ટોચની નેતાગીરીને આમંત્રીત કરી છે. સંભવ છે કે, આ દરેક નેતાગણની આ પ્રસંગમાં ઉપસ્થિતિ રહે.
ભાવનગર ખાતે ૭૫૦ થી અધિક સામુદાયીક વર્ષીતપની આરાધના ગચ્છનાયક હેમચંદ્રસુરિ, પ.પૂ. આચાર્ય નિર્મળચંદ્રસુરિશ્વરજી મ.સા., આચાર્ય જીનેશચંદ્રસુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાલી રહી છે આ ઐતિહાસિક વર્ષીતપ પરિપૂર્ણતાને આરે છે. દરેક તપસ્વીઓના અખાત્રીજના પર્વે ભાવનગરમાં જવાહર મેદાન ખાતે ખાસ ઉભી કરાયેલી હસ્તીનાપુર નગરી ખાતે પારણા થશે. ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના આંગણે આ ઐતિહાસિક અને ભવ્ય સમારોહ આયોજીત થયો છે ત્યારે તેમાં સહભાગી થવા ભાજપની ટોચની નેતાગીરીને આયોજકો દ્વારા આમંત્રણ અપાયું છે. જેમાંથી અનુકૂળતા મુજબ દરેક નેતાગણની ઉપસ્થિતિ રહેશે તેમ જાણવા મળ્યું છે.
			
                                
                                


