ભાવનગર, તા.૧૨
ભાવનગર મહાપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા લગાતાર અઢી ત્રણ માસથી ઓપરેશન દબાણ હટાવ ચાલી રહ્યું છે જેમાં કોઇ ચમરબંધીને પણ નહીં છોડી શેહશરમ રખાતી નથી. પરંતુ કેટલાક તકવાદીઓએ અમુક દબાણ નહીં હટાવવાના નામે સબંધિત લોકો સાથે નાણાંકીય સોદો કરી તેમાંથી રૂ.૧૦ લાખ પ્રથમ હપ્તા પેટે લઇ લીધા હોવાની ચર્ચા ચારેકોર છે અને કોર્પોરેશનના વર્તુળોમાં તો નામ જોગ વાતો થઇ રહી છે. ત્યારે મ્યુ. કમિશનરે આવા તત્વો સામે કાર્યવાહી કરવા ડે.મ્યુનિ. કમિશનર બ્રહ્મભટ્ટને તપાસનો દોર સોંપ્યો છે. આ સાથે જ મોતીતળાવ રોડ પર એકપણ દબાણ ન રહી જાય તેની ચોક્સાઇ રાખવા પણ એસ્ટેટ ઓફીસરને કડકાઇ પૂર્વક તાકીદ કરી છે જેથી કોર્પોરેશનની આબરૂ પર કાદવ ન ઉછળે.
શહેરના મોતીતળાવ રોડ પર ૨૦૦ થી વધુ ગેરકાયદે પાકા બાંધકામ ખડકાતા જે તંત્રના ધ્યાને આવતા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ હતી. આ સમયે સબંધિતોમાંથી આ દબાણ નહીં હટાવવા નાણાંકીય સોદાબાજી થયાની વાત બહાર આવતા અને પૈસા ચુકવાઇ ગયા છે તે પરત માંગતા સમગ્ર મામલો જગજાહેર બન્યો હતો આથી કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા અને મોતીતળાવ રોડ પર લગાતાર કાર્યવાહી શરૂ રાખવા કડક સુચના આપી હતી જેના પગલે એસ્ટેટ વિભાગ દ્વારા લગાતાર આઠ દિવસ સુધી ઓપરેશન ડિમોલેશન હાથ ધરી ૪૫ મીટરના રોડ પર ગેરકાયદે ખડકાયેલ ૨૩૪ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. જ્યારે આજે પણ સ્થળ પર ડિમાર્કેશન કરી આગામી દિવસોમાં રહેણાંકના બાંધકામો તોડી પાડવા તંત્રએ નિર્દેશ આપ્યો હતો.
બીજી બાજુ કથીત તોડકાંડના મામલે ડે.મ્યુનિ. કમિશનર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં વહિવટી અધિકારી દેવાંગી મહેતા, અસ્ટેટ ઓફીસર એફ.એમ. શાહ અને દબાણ હટાવ સેલના વડા અજીતસિંહ સોલંકી સહિતની ટીમે સ્થળ પર જઇ સવારે 9 વાગ્યાથી ૭૦ જેટલા ભંગારના ડેલા ધારકોના નિવેદન નોંધ્યા હતાં. જે કામગીરી 3 કલાક સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, કથીત તોડકાંડમાં ભારે ચર્ચાઓ વચ્ચે અસ્ટેટ વિભાગના ડ્રાફ્ટનેન કે.સી. લલ્લુવાડીયાની ફિલ્ટર વિભાગમાં તેમજ એસ્ટેટ વિભાગના ડ્રાઇવર આર.કે. સોહલાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં તાકીદની અસરથી બદલી કરવામાં આવી છે. જ્યારે ડે.મ્યુનિ. કમિશનર બ્રહ્મભટ્ટે આર્થિક સોદાબાજી મામલે હજુ તપાસ ચાલી રહી છે તેમ એક વાતચીતમાં જણાવ્યું હતું
			
                                
                                



