પાડોશી દેશોમાંથી ભારતમાં ચરસ સહિતનું ઘાતક ડ્રગ્સ સપ્લાય કરવાના સિલસિલામાં ઘટાડો જ થઈ રહ્યો ન હોવાથી સુરક્ષા એજન્સીઓ સાબદી બની જવા પામી છે. ચરસનો આવો જ એક વધુ જથ્થો બીએસએફે જખૌના દરિયાકાંઠેથી પકડી પાડ્યો છે.
બીએસએફે પાણીના પ્રવાહમાં તણાઈને આવેલા ચરસના 10 પેકેટ કબજે કર્યા છે જે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ અંગે બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની પેટ્રોલિંગ ટીમે ભૂજમાં જખૌ દરિયાકાંઠેથી અંદાજે પાંચ કિલોમીટર દૂર લૂના બેટ નજીકથી ચરસના 10 પેકેડ કબજે કર્યા છે. પકડયેલા આ પેકેટ ઉપર ‘અફઘાન પ્રોડક્ટ’ લખ્યું હોવાનું ધ્યાન પર આવ્યું છે.
બીએસએફ દ્વારા પકડાયેલા ચરસના પેકેટ પાકિસ્તાન તરફથી દરિયાઈ લહેરો સાથે વહીને ભારતીય તટ ઉપર પહોંચી ગયા હોવાનું માલૂમ પડી રહ્યું છે. એકંદરે મે-2020થી લઈ અત્યાર સુધીમાં બીએસએફની સાથે સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા જખૌ તટ અને ક્રીક ક્ષેમિાંથી ચરસના 1548 પેકેટ કબજે કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.





