મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ-પ્રશાસનને જાણ કરી હતી. આ તરફ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓની સાથે સાથે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા.
પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. વિગતો મુજબ બસમાં ઘણા લોકો હતા જેમને બચાવવામાં આવી રહ્યા છે. જોકે બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે.
પોલીસ દ્વારા ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ
આ તરફ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી છે, આ સાથે જ ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. રાયગઢના એસપીએ જણાવ્યું કે, ખોપોલી વિસ્તારમાં બસ ખાઈમાં પડી જતાં 7 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.






