સુરત તથા રાજકોટના જસદણમાંથી સનસનીખેજ સિમકાર્ડ રેકેટનો પર્દાફાશ થયા વચ્ચે ટેલીકોમ મંત્રાલય દ્વારા છેલ્લા છ મહિનામાં 6.12 લાખ મોબાઈલ કનેકશન ડી-એકટીવ કરી દેવામાં આવ્યા છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટની મદદ લઈને મહિનાઓથી ઉપયોગમાં ન હોય તથા એક જ નામ પર 9થી વધુ મોબાઈલ નંબર હોય તેવા 6.12 લાખ કનેકશન રદ કરી દેવામાં આવ્યા હતા. ટેલીકોમ વિભાગના અધિકારીએ કહ્યું કે સિમકાર્ડ રેકેટ રોકવા માટે ત્રણ તબકકે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
હવે સિમકાર્ડ વેચનારા નવા તથા જુના તમામ વેપારીઓ માટે પોલીસ વેરીફીકેશન ફરજીયાત બનાવતી નવી માર્ગદર્શિકા લાગુ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શક્તિશાળી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત ગુજરાતના 8.2 કરોડ મોબાઈલ નંબરોમાંથી ઉપયોગમાં ન હોય તેવા તથા એક જ નામે 9થી વધુ હોય તેવા નંબરોની ઓળખ મેળવવામાં આવી હતી. 23300 વ્યક્તિઓના નામે 9થી વધુ મોબાઈલ કનેકશન હોવાનું માલુમ પડયુ હતું. તેઓનું રી-વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. એક સીનીયર અધિકારીએ કહ્યું કે કાશ્મીર તથા પુર્વોતર રાજયો જેવો નિયમ ગુજરાતમાં પણ લાગુ કરવાની તૈયારી છે જે અંતર્ગત સિમકાર્ડ વેચતા વેપારીઓનું પોલીસ વેરીફીકેશન ફરજીયાત કરાશે.
‘ટ્રાઈ’ના નિયમો સ્પષ્ટ છે કે 90 દિવસ સુધી ઉપયોગ ન થયેલા કે રીચાર્જ નહીં થયેલા મોબાઈલ નંબરનું ફરી વેરીફીકેશન કરાવવાનું થાય છે. ઘણા કિસ્સામાં જેના નામો કનેકશન હોય તેને પણ જાણ હોતી નથી. રીવેરીફીકેશનના આધારે સમસ્યા-રેકેટ મર્યાદીત કરી શકાય તેમ છે. આ ઉપરાંત ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો માટે નવો નિયમ ઘડાયો છે જે અંતર્ગત નવી નંબર સીરીઝની અરજી કરે તો અગાઉની સીરીઝના 70 ટકા નંબર એકટીવ હોવાનું પ્રમાણપત્ર આપવુ પડે છે. છેલ્લા કેટલાક વખતથી કંપનીઓ જ ઈનએકટીવ નંબરોને રદ કરવા લાગી છે.
છેલ્લા ત્રણ દિવસમાં સિમકાર્ડ વેચતા 37 વેપારીઓ સામે 15 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગુજરાતના ટેલીકોમ વિભાગે બનાવટી દસ્તાવેજોના આધારે મેળવાયેલા 29552 સિમકાર્ડ ઈસ્યુ થયાનો ધડાકો કર્યો છે. ટેલીકોમ વિભાગે વિકસાવેલા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. 486 સિમકાર્ડના દસ્તાવેજોના ફોટા સમાન હોવાનું જયારે નામો જુદા હોવાનું જણાવ્યુ હતું. આ 486 ગ્રુપમાં 29552 કનેકશન માલુમ પડયા હતા. આવતા દિવસોમાં હજુ વધુ રેકેટ ખુલવાની શકયતા છે.
પોલીસના સૂત્રોએ કહ્યું કે 7000 બોગસ સિમકાર્ડ ઈસ્યુ કરનારા 37 વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. બીજા તબકકાની કામગીરી ચાલી રહી છે. તેમાં વધુ કેટલાંક ચોંકાવનારા ઘટ્ટસ્ફોટ થઈ શકે છે. મોટાભાગના આ સિમકાર્ડ 2020થી 2022માં એકટીવ થયા હતા. ટારગેટ પૂર્ણ કરવા જ વેપારીઓએ આવા કારસ્તાન કર્યા હતા.




