આઈપીએલને કારણે અત્યારે ક્રિકેટની બોલબાલા છે પરંતુ એક એવાય ગુજરાતી ક્રિકેટર છે, જે દારુણ ગરીબીમાં જીવન ગુજારે છે. એ ક્રિકેટર વળી વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરિઝ રહી ચૂક્યા છે. એમનું નામ છે ભાલાજી ડામોર. ભાલાજી ડામોર પ્રજ્ઞાચક્ષુ છે અને આજે તો જાણે સાવ ભૂલાવી દેવાયા છે.
કોઈ ક્રિકેટર વર્લ્ડકપ સુધી પહોંચે તો તેનું કેવું સન્માન થાય? પણ ભાલાજીનું નથી થયું કેમ કે તેઓ અંધ એટલે કે પ્રજ્ઞાચક્ષુ છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામે રહેતા ભાલાજીનું ઘર જોઈને કોઈ માને નહીં કે તેઓ 1998ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપના હીરો રહી ચૂક્યા છે.
1998નો બ્લાઈન્ડ વર્લ્ડકપ દિલ્હીમાં આયોજીત થયો હતો. 18મી નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. ભારતના 255 રન સામે શ્રીલંકા માત્ર 44 રન કરી શક્યુ હતું. ભારતના જંગી સ્કોરમાં 53 રન ભાલાજીના પણ હતા. એ ઉપરાંત 8 ઓવરમાં 12 રન આપીને તેમણે 3 વિકેટો લીધી હતી. એ બદલ તેઓ મેન ઓફ ધ મેચ થયા હતા. ઉપરાંત સમગ્ર સિરિઝમાં સર્વોત્તમ પ્રદર્શન બદલ મેન ઓફ ધ સરિઝનું સવાયું સન્માન પણ તેમને મળ્યું હતું.
વિશ્વકપ વિજેતાને કરોડોના ઈનામ મળે પરંતુ બ્લાઈન્ડ વર્લ્ડકપમાં મેન ઓફ ધ સિરિઝ બદલ તેમને 5 હજારનો પુરસ્કાર મળ્યો હતો. આજે આખો દિવસ પશુ ચરાવે અને ખેત મજૂરી કરે ત્યારે બાલાજી ખાવા ભેગા થાય છે. પોતાનું તો ઠીક તેમના બે સંતાનોનું ભવિષ્ય પણ અંધકારમય છે. જો કે આ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના ધ્યાને આવતા તેમણે માનવીય અભિગમ દાખવીને ભાલાજીને જીડીઆરમાં નિમણૂંક આપી હતી. પરંતુ એ સિવાય સરકારમાંથી કોઈએ ખાસ ધ્યાન આપ્યું ન હતું.
ગુજરાત સરકારે 2016માં નવી રમત-ગમત પોલીસી અપનાવી પણ તેમાં ભાલાજી અને તેના જેવા બીજા ઘણા ખેલાડીઓ ભૂલાઈ ચૂક્યા છે. ભારતને વિશ્વકપ અપાવનારા ભાલાજી પાસે વિજેતાની ટ્રોફી તો છે પણ એ સાચવી શકાય એવો કબાટ નથી!





