રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આક્ષેપ કરાયા બાદ યુવરાજસિંહનું નિવેદન લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેને લઈ સવારે જ યુવરાજસિંહ ભાવનગર આવી પહોંચ્યા છે. બપોરે 12 વાગ્યે ડીવાયએસપી કચેરીએ જવાબો રજૂ કરવા જશે.
યુવરાજસિંહ આજે જવાબ આપવા ભાવનગર આવી પહોંચ્યા
આ અંગે યુવરાજસિંહ જણાવ્યું હતું કે, જે પ્રમાણે પોલીસે મને CRPC પ્રમાણે મને 160 મુજબ સમન્સ પાઠવ્યું છે તેનો જવાબ દેવો મારી એક નાગરિક તરીકે ફરજ બને છે, તમામ પ્રશ્નોના જવાબ દેવા તૈયાર છું. પરંતુ જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો અથવા ખોટું પ્રેશર આપવામાં આવશે તો જે ખોટી બાબતોને ક્યારે સાચી માની લેવામાં આવશે નહીં. વર્તમાનમાં ડમી કાંડમાં મારી સામે જે પણ પ્રશ્નોના જવાબો આપવા બંધાયેલો છું. ડમી કાંડમાં આંકડો જે સામે આવી રહ્યો છે કે 36 લોકો જ સંકળાયેલા છે, પરંતુ હું માની રહ્યો છું કે આનાથી પણ વધુ લોકો સંકળાયેલા હોય શકે છે. બીજા નામોની પુષ્ટિ નથી કરી રહ્યા તેની પાછળ અમારી પાસે સંસાધનની કમી છે. બીજા હજી મલ્ટી પપર્સ હેલ્થ વર્કર, સીઆરસી હોય કે ખોટી માર્કશીટના નામ હોય તેના નામો અમે પોલીસ સમક્ષ રાખવાના છીએ.
ભાવનગર પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને CRPC કલમ 160 મુજબ સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થયેલી હકીકત મુજબ તમોએ પ્રેસકોન્ફરન્સમાં કેટલીક વ્યકિતઓના નામો નહીં આપવા બાબતે કેટલાક નાણાકીય વ્યવહારો કર્યા હોવાના આક્ષેપો સંદર્ભે તમારો પક્ષ રજૂ કરવા માટે આજે બુધવારને બપોરે 12 વાગ્યે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઈન્સપેક્ટરની કચેરીએ હાજર રહેવા જણાવ્યું હતું.
ડમીકાંડ મામલે અત્યાર સુધીમાં શું થયું?
ડમીકાંડનું સમગ્ર પ્રકરણ 5મી એપ્રિલે યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવનગર પોલીસ દ્વારા 14મી એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 15મી એપ્રિલે શરદ પનોત, પી.કે. દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 17 એપ્રિલે અક્ષય બારૈયા અને સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મિલન બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે ભાવનગર પોલીસે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે 29 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.




