ભાવનગર તા.૧૯
ભાવનગરના ચકચારી ડમીકાંડમાં મળેલ પોલીસ સમન્સના પગલે ભાવનગર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડતા તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા અને પોલીસ તંત્રને ઈ-મેલ દ્વારા જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. જો કે પોલીસે નવો સમન્સ જારી કરી તેમને તા. 21 ના રોજ હાજર થવા ફરમાન કર્યું છે.

ભાવનગર એસઓજી શાખા તરફથી હાજર થવા માટે સમન્સ મળતા યુવરાજસિંહ જાડેજા આજે સવારે ભાવનગર આવ્યા હતા. જોકે તેમની તબિયત લથડતા તેમણે પોલીસ વિભાગને ઇ-મેલ દ્વારા લેખિત જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. આ અંગે તેમના પત્નીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. યુવરાજસિંહના ઇમેલના પ્રત્યુતરમાં ભાવનગર પોલીસે નવો સમય કાઢીને યુવરાજસિંહ ને હવે 21 એપ્રિલના રોજ બપોરના 12 કલાકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે હાજર થવા પરમાન કર્યું છે.
આ અંગે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસવડા ડો. રવીન્દ્ર પટેલે એસ.પી. કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
ભાવનગર પોલીસ દ્વારા નવો સમાજ કાઢવામાં આવતા યુવરાજસિંહ જાડેજા હવે તા. 21 એપ્રિલના રોજ હાજર થશે કે કેમ તે અંગે લોક ચર્ચાઓ શરૂ થઈ છે.



