ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મામલે સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ અને SITના સ્પેશિયલ જજ શુભદા બક્ષી 68 આરોપીઓ સામેનો ચુકાદો 20મીના રોજ જાહેર કરશે. નરોડા ગામના ચુકાદાને ધ્યાને રાખીને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં સવારથી પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો છે. સીટના હાલના વડા મલ્હોત્રા સહિતના અધિકારીઓ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેશે.
સીટના ખાસ જજ દ્વારા ચુકાદા માટે છ વધુ સ્ટેનોગ્રાફરની મદદ 7મી એપ્રિલના રોજથી ચુકાદો લખાવવામાં આવ્યો હતો. સરકાર, ફરિયાદપક્ષ, બચાવપક્ષ દ્વારા દસ હજારથી વધુ પાનાની લેખિત દલીલો અને 100 જેટલા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા. પોલીસ અને સીટ દ્વારા કુલ 86 આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં એક આરોપીને કોર્ટે ડિસ્ચાર્જ કર્યો હતો.જયારે 17 આરોપીઓ ચાલુ ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામતા તેમની સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો. આ કેસમાં 68 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ગોધરાકાંડ સહિત નવ કેસોની તપાસ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવામાં આવી હતી. જેમાં આઠ કેસોનો ચુકાદો આવી ગયો છે. જયારે આ એક કેસમાં છેલ્લા પાંચ વર્ષથી ચુકાદા માટે રાહ જોવાઈ રહી હતી.
છેલ્લા છ વર્ષથી ત્રણ જજો સમક્ષ દલીલો ચાલતી હતી. જેમાં એક જજ નિવૃત થયેલા અને બીજા જજની બદલી થતા છેલ્લા અઢી વર્ષથી દલીલો ચાલી રહી હતી. આ કેસમાં અંતિમ દલીલોની સુનાવણી વખતે તત્કાલીન સ્પેશિયલ કોર્ટના જજ પી.બી. દેસાઈ ઘટના સ્થળની સીટના અધિકારીઓ, ફ્રિયાદી, ભોગબનનાર તથા સીટના વકીલો સાથે ઘટના સ્થળની મુલાકાત લીધીહતી.





