મધ્ય પ્રદેશનું મૈહર શહેર માં શારદાનું મંદિર અને પ્રખ્યાત સરોદ વાદક બાબા અલાઉદ્દીન ખાન દ્વારા સ્થાપિત મૈહર સંગીત ઘરાના માટે જાણીતું છે. આ મંદિરમાં ૧૯૮૮થી બે મુસ્લિમો સેવા આપી રહ્યા છે. જોકે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે જેમાં શારદા મંદિરની પ્રબંધન સમિતિમાં મુસ્લિમને ન રાખવા કહેવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશના સંસ્કૃતિ અને ધાર્મિક ન્યાસ મંત્રાલયના ઉપ સચિવ પુષ્પા કલેશ દ્વારા શારદા મંદિરની સમિતિને એક આદેશ આપવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માં શારદા દેવી મંદિરની ધાર્મિક નગરીમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવવામાં આવે, આ ઉપરાંત મંદિરની પ્રબંધ સમિતિમાંથી તાત્કાલીક મુસ્લિમ કર્મચારીઓને હટાવવામાં આવે.
અગાઉ આ વિસ્તારના કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા મંદિરમાં મુસ્લિમ કર્મચારીઓને રાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે માટે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા સિંહ સમક્ષ આ સંગઠનો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. મૈહરના જિલ્લા કલેક્ટર અનુરાગ વર્મા કે જેઓ આ પ્રખ્યાત મંદિરની સમિતિના પ્રમુખ પણ છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો આ વિવાદિત આદેશ માત્ર બે મુસ્લિમ કર્મચારીઓને અસર કરી શકે છે.




