રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરત કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુરતની સેશન્સ કોર્ટે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવાતા રાહુલનું સભ્ય પદ રદ થયેલુ જ રહેશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સંબંધિત કેસમાં ગુરુવારે (23 માર્ચ, 2023) સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના ્દ્વારા સુરતની કોર્ટમાં અપીલ દાખલ કરાઈ હતી.
વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી અટક’ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?” વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં ‘મોદી અટક’ સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે મામલે ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર થઈ ગયા હતા.
કેમ ગઈ સદસ્યતા?
સજા સંભળાવ્યાનાં 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું હતું. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી હતી. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ હતી.




