છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકો સહિત 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
છત્તીસગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીંના બાલોદમાં એક બોલેરો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 લોકો તો એક જ પરિવારના હતા. મૃતકોમાં દોઢ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા.
કાંકેર નેશનલ હાઈવે પર જગતરા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ધમતરીના સોરમ ગામથી બોલેરોમાં સવાર થઈને લગ્નમાં મરકટોલા જઈ રહ્યો હતો. પરંતુ આ પરિવારને વચ્ચે જ અકસ્માત નડ્યો હચો. મૃતકોમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.




