જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટને ઈજા થઈ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.