દુનિયાભરના દેશો કલાયમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છે અને હવામાનમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. ત્યારે 3 જૂલાઈનો સોમવારનો દિવસ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ‘ગરમ’ બની રહ્યો હતો. અમેરીકાનાં નેશનલ સેન્ટર ફોર એનવાયરમેન્ટ પ્રેડિકશનના રીપોર્ટ મુજબ 3જી જુલાઈએ વિશ્વનું સરેરાશ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયુ હતું. જે અત્યાર સુધીનુ સૌથી વધુ છે.આ પૂર્વે ઓગસ્ટ 2016 માં 16.92 ડીગ્રીનો રેકોર્ડ સર્જાયો હતો.
દક્ષિણ અમેરિકાનાં ભાગો છેલ્લા કેટલાક વખતથી કાળમાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.ચીનમાં પણ તાપમાન 35 ડીગ્રી થવા સાથે હીટવેવનો દોર છે. ઉતરીય આફ્રિકામાં તાપમાન 50 ડીગ્રીની નજીક પહોંચ્યુ હતું. એટલુ જ નહિ હાલ શિયાળાની સીઝન હોવા છતાં એર્ન્ટાટીકામાં પણ તાપમાન ઉંચુ છે. લેબમાં ત્યાંનું તાપમાન 8.3 ડીગ્રી નોંધાયુ હતું. હવામાન વૈજ્ઞાનિકોએ એવી ટીપ્પણી કરી હતી કે સૌથી ગરમ દિવસનો રેકોર્ડ કોઈ જશ્ન નથી પરંતુ લોકો માટે તથા પર્યાવરણ માટે મોતની સજા છે. કલાયમેટ ચેન્જ તથા ઉદભવી રહેલી અલ-નીનો સિસ્ટમ આ માટે જવાબદાર છે. પ્રશાંત મહાસાગરની સપાટીનાં વધતા તાપમાનથી ઉદભવી રહેલી અલ-નીનો સીસ્ટમ ઉપરાંત વધતા ગ્રીન હાઉસ ગેસ-કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનથી ગરમી વધી રહી છે.