ગુજરાત એટીએસએ જૂન મહિનામાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સના 3 આતંકીઓને પોરબંદરથી અને એક મહિલા આતંકી સુમેરાબાનુ મલેકની સુરતમાંથી ધરપકડ કરી હતી તેમની પૂછપરછ બાદ સુમેરાના સંપર્કમાં આવેલા ઉત્તર પ્રદેશના 3 યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગોરખપુરનો તારિક અતહર સુમેરાબાનુના સંપર્કમાં આવ્યા બાદ જેહાદી બની ગયો અને ઉત્તર પ્રદેશમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનું નવું મોડ્યુલ સેટ કરવામાં લાગી ગયો હતો.
ગુજરાત એટીએસની તપાસ દરમિયાન સુરતની સુમેરાબાનુ સાથે સંપર્કમાં રહેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોરખપુરમાંથી ધરપકડ કરાયેલા તારિકની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે ગોરખપુર અને આસપાસના જિલ્લાના યુવાનોને જોડવાનું કામ કરતો હતો. તેમનું બ્રેઇનવોશ કર્યા બાદ ઉત્તર પ્રદેશમાં નવું સંગઠન બનાવવા માટે જેહાદી તૈયાર કરવા માટે તે લોકોને દેશની બહાર લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. તારિકે ટેલિગ્રામ પર યુવકોને ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપમાં તે આઈએસકેપીના આતંકીઓના જેહાદી લેખને પોસ્ટ કરતો અને યુવકોના બ્રેઇનવોશ કરવાનું કામ કરતો હતો. તારિકના પિતા સ્કૂલમાં શિક્ષક છે. ત્રણ ભાઈઓમાં તે સૌથી નાનો છે.