પાકિસ્તાનના સિંધના કાશમોરમાં એક હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિર અને આસપાસના હિંદુ સમુદાયના ઘરો પર પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા.
પાકિસ્તાનમાં 48 કલાકમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે રાત્રે કરાચીમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે માતાના મંદિર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં વીજળી નહોતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારના હુમલા વખતે મંદિર બંધ હતું, તેથી વધારે નુકસાન થયું નથી. હુમલાખોરોએ મંદિર પાસે રહેતા હિન્દુ સમુદાયના લોકોના ઘરો પર પણ હુમલો કર્યો હતો.
પ્રારંભિક તપાસ મુજબ હુમલાખોરો 8થી 9 લોકો હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર બાગડી સમુદાય દ્વારા આયોજિત ધાર્મિક સેવાઓ માટે મંદિર દર વર્ષે ખોલવામાં આવે છે. કરાચીના લોકોએ કહ્યું- શુક્રવારની રાત્રે કેટલાક લોકો બુલડોઝર લઈને આવ્યા અને મારી માતા મંદિરની બહારની દિવાલો અને મુખ્ય દરવાજા સિવાય સમગ્ર મંદિરને અંદરથી નષ્ટ કરી દીધું. પાકિસ્તાની ન્યૂઝ પેપર ડૉનના અહેવાલ મુજબ, જ્યારે મંદિર તોડવામાં આવી રહ્યું હતું, ત્યારે મંદિર તોડનારાઓને સુરક્ષા આપવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.