પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન પર ફરી એકવાર ધરપકડનો ખતરો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ ગઈ કાલે ઈસ્લામાબાદ પોલીસને ઈમરાન ખાનની ધરપકડ કરીને મંગળવારે તેમને હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કન્ટેમ્પ્ટ કેસમાં ઈમરાનની સતત ગેરહાજરીથી ચૂંટણી પંચ નારાજ છે. ગયા વર્ષે ઈમરાન ખાન વિરુદ્ધ ચૂંટણી પંચ વિરુદ્ધ નિવેદન આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઈમરાન ખાન પર પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર અને ECP વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. ECPએ ગયા વર્ષે ઈમરાન ખાન અને પીટીઆઈના ભૂતપૂર્વ નેતાઓ ફવાદ ચૌધરી અને અસદ ઉમર વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી.
આ કેસમાં, ECPની આગેવાની હેઠળની ચાર સભ્યોની બેન્ચે 11 જુલાઈએ અસદ ઉમરને રાહત આપી હતી, પરંતુ ઈમરાન ખાન અને ફવાદ ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ મામલાની આગામી સુનાવણી આજે થવાની છે. ECPએ કહ્યું કે અમે ઈમરાન ખાનને હાજર થવા માટે 16 જાન્યુઆરી અને 2 માર્ચે નોટિસ અને જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા, તેમ છતાં તેઓ ECP સમક્ષ હાજર થયા ન હતા.
ઈમરાન ખાન પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસનો પણ સામનો કરી રહ્યા છે. હવે વીડિયો જાહેર કરીને ઈમરાને શાહબાઝ શરીફ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈમરાન ખાને ગઈ કાલે રાત્રે વીડિયો જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનમાં જંગલનો કાયદો છે અને અહીં ગમે ત્યારે કોઈની પણ ધરપકડ થઈ શકે છે.