પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 44 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ છે.
ઘટના બાજૌરના ખાર વિસ્તારની છે. શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલની રેલી અહીં ચાલી રહી હતી. JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ 35 કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.
હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. આ સમયે રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એવું માનવામાં આવે છે કે હુમલાખોર પાર્ટીના સમર્થકો વચ્ચે જ હાજર હતો. એટલા માટે તેને ફિદાયીન હુમલો માનવામાં આવી રહ્યો છે.
JUI-Fના વડા મૌલાના ફઝલે ઘટના બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી અને તેમને વિગતવાર માહિતી આપી. સરકારે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ફઝલે સમર્થકોને કહ્યું- તમે લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો અને ઘાયલોને લોહી આપો.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહેવા પ્રમાણે, આ હુમલો દેશને કમજોર કરવાનું વધુ એક ષડયંત્ર છે. આતંકવાદીઓનો સામનો કરવા માટે સરકાર કોઈપણ હદ સુધી જઈ શકે છે.
પાક મીડિયાના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ JUI-F કાર્યકર્તાઓના સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો હતો. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું કે પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. પોલીસની મોટી ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે.






