ભારતીય ટીમે હવે સીધો એશિયા કપ અને પછી વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તે પહેલા એશિયા કપ 2023માં રમવાનો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે મુલતાનમાં રમાશે. જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે યોજાશે.
પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ બાદ નેપાળે પણ એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આજે (21 ઓગસ્ટ) પોતાની ટીમની જાહેરાત કરશે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં જ રહેવાની છે. પરંતુ બે સ્ટાર ખેલાડી કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર ઈજા બાદ સીધા જ એશિયા કપ રમતા જોવા મળી શકે છે.
આ વખતે એશિયા કપ હાઇબ્રિડ મોડલના આધારે યોજાનાર છે. એશિયા કપની યજમાન ટીમ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમશે, જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે.





