જમ્મુ-કાશ્મીરના પુલવામાના લૈરો-પરીગામ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, હજુ સુધી પોલીસ અને સેના દ્વારા આતંકીને ઠાર કરાયાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને રવિવારે સાંજે 7.30 વાગ્યે માહિતી મળી હતી કે પરીગામમાં ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે. પોલીસે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.






