ગ્લોબલ વોર્મિંગની હિમાલય પર પ્રતિકૂળ અસરો થઈ રહી છે. તાજેતરનું સંશોધન કહે છે કે હવામાને હવે ધાર્મિક, વ્યાપારિક અને ઔષધીય રૂપે મહત્ત્વપૂર્ણ દેવદારનાં વૃક્ષોને અસર કરવાનું શરૂ કર્યું છે. સતત બદલાતા વાતાવરણને કારણે દેવદારના વૃક્ષોની લંબાઈમાં 37 થી 47% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ અસર હિમાલયના 2500 મીટરની ઊંચાઈએ થતાં દેવદાર વૃક્ષો પર જોવા મળી છે.ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં દેવદારની સ્થિતિ સારી નથી. જો કે નીચલા પ્રદેશોમાં અભ્યાસ થવાનો હજુ બાકી છે.
પંત હિમાલયન પર્યાવરણ સંસ્થાના વિજ્ઞાનીઓએ ત્રણ રાજ્યોનાં 17 સ્થળોનો અભ્યાસ કર્યા પછી આ ચિંતા વ્યક્ત કરી છે. ક્યારેક વધુ વરસાદ-હિમવર્ષા તો ક્યારેક વધુ ગરમીથી વૃક્ષોના પોષણનો ક્રમ બગડ્યો છે. તેની પહેલી અસર વૃક્ષોની ઊંચાઈ પર જોવા મળી રહી છે. વિજ્ઞાનીઓના મતે હિમાલયના પર્યાવરણ પર અસર પડવાનું સંકટ છે કારણ કે કાર્બનના શોષણમાં આ વૃક્ષો મહત્ત્વપૂર્ણ છે.
વિજ્ઞાનીઓ અનુસાર સામાન્ય રીતે દેવદારનાં વૃક્ષો 1800થી 3300 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. દેવદારનાં વૃક્ષની લંબાઈ સામાન્ય રીતે તે 40થી 50 મીટર હોય છે પરંતુ ઊંચાઈવાળા વિસ્તારોમાં તેની લંબાઈ ઝડપથી ઘટી રહી છે. સંશોધન દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘણાં દેવદારનાં વૃક્ષો એવાં મળી આવ્યાં છે જે તેની સામાન્ય લંબાઈની સરખામણીમાં 14થી 22 મીટર સુધી નીચા હતાં.
સંસ્થાના વિજ્ઞાની ડૉ. જે.સી કુન્યાલના જણાવ્યા મુજબ દેવદાર કાર્બનનું શોષણ કરતો એક મોટો સ્ત્રોત છે. આ વૃક્ષની ઉંમર 500થી 600 વર્ષ સુધી હોય છે. તેની ઊંચાઈમાં ઘટાડો ચિંતાજનક છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જ્યોર્જ એવરગ્રીન કોનિફર ટ્રી છે. તેનાં પાંદડા તીક્ષ્ણ હોય છે. દાંડી, પાંદડા અને લાકડાંમાં રસાયણો મળી આવે છે. આમાંથી તેલ પણ નીકળે છે. બામ અને અન્ય દર્દની દવાઓ બનાવવામાં આવે છે.



