ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં આજના સુરતના હાર્ટ એટેકના કેસ મળીને કુલ 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. સુરતમના સચિન GIDCમાં 36 વર્ષીય મહિલા શૌચાલયમાંથી બહાર નીકળ્યા ને મૃત્યુ નીપજ્યું, જ્યારે કામરેજના 40 વર્ષીય યુવક લુમ્સના કારખાનામાંથી ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતને ભેટ્યા છે. તો બીજી તરફ રાજકોટના મોરબી રોડ પર રહેતા રેલવેમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીનાં પત્ની 48 વર્ષીય કંચનબેન સક્સેના ગરબા રમી રહ્યાં તે દરમિયાન છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જે બાદ કંચનબેન બેસી ગયાં હતાં, ત્યારબાદ અચાનાક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખીને ઢળી પડ્યાં હતાં. આ ઉપરાંત ખેડાના કઠલાલના છીપડી ગામમાં રહેતા 23 વર્ષીય દેવરાજને નાની ઉંમરે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો. જે ચારેયનાં મૃત્યુ પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
નવરાત્રિ દરમિયાન ગરબા રમતાં રમતાં 3 લોકોને હાર્ટ-એટેક આવતાં તેમનાં મૃત્યુ નીપજ્યાં હતાં. અમદાવાદનો 24 વર્ષીય યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતો. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યો હતો. તો કપડવંજમાં 17 વર્ષીય સગીરને પણ ગરબા રમતી વેળાએ હાર્ટ-એટેક આવતાં મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત વડોદરામાં બે દિવસથી ગરબા રમતા 13 વર્ષના કિશોરનું હૃદય બંધ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. તેમજ વડોદરામાં જ એક સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડના મૃત્યુથી ચકચાર મચી ગઈ હતી. આ સાથે રાજકોટમાં પણ 2 લોકોનાં હાર્ટ-એટેકથી મૃત્યુ થયાંના સમાચાર સામે આવ્યા હતા. જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં કર્મચારીનું મૃત્યુ નીપજ્યું હતું. તો અન્યમાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ દ્વારકામાં પણ 2 લોકોનાં હાર્ટ-એટેકથી મૃત્યુ થયાંની નોંધ થઈ છે. રાજ્યમાં વઘતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિતાનો વિષય બન્યો છે.