ઇઝરાયલે ફરી ઉત્તર ગાઝામાં અરબી ભાષામાં લખેલાં પેમ્ફલેટ ઉડાડ્યા છે. આ પેમ્પલેટમાં લોકોને ઉત્તરી ગાઝા ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ઇઝરાયલની સેનાએ લોકોને કહ્યું છે કે જો તેઓ આ વિસ્તાર ખાલી નહીં કરે તો તેમને પણ આતંકી સંગઠન હમાસના સહયોગી ગણવામાં આવશે. યુદ્ધનો વ્યાપ સતત વધી રહ્યો છે. લેબનીઝ તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. હિઝબુલ્લા સાથે ઇઝરાયલનું યુદ્ધ ત્યાં પણ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઇઝરાયલે લેબનોન બોર્ડર પરથી 13 ગામોને ખાલી કરાવ્યા છે.
સીરિયાની ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે ઇઝરાયલે રવિવારે સવારે અલેપ્પો અને દમાસ્કસના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનો રનવે બરબાદ થઈ ગયો હતો, જેના કારણે બંને એરપોર્ટ પર સેવાઓ બંધ કરવી પડી હતી. દમાસ્કસ પર હવાઈ હુમલામાં 1 કર્મચારી માર્યો ગયો. ગાઝાની હોસ્પિટલોના ડોક્ટરોએ ચેતવણી જાહેર કરી છે કે ત્યાંના લગભગ 130 નવજાત શિશુઓના જીવ જોખમમાં છે. ડૉક્ટરોએ કહ્યું છે કે જો ઈંધણ જલદી પહોંચાડવામાં નહીં આવે તો સપોર્ટ સિસ્ટમ અટકી જશે, જેના કારણે બાળકોનાં મોત થઈ શકે છે.