ભાવનગર-મુંબઇ-પુના વચ્ચે ચાલતી એકમાત્ર ફ્લાઇટને પાછલા ૧૦ દિવસમાં ૭ દિવસ રદ્દ કરી દેવાઇ હતી ત્યાં આગામી વધુ ૭ દિવસ માટે સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ કેન્સલ કરાઇ છે જેના કારણે ભાવનગરના હવાઇ યાત્રીઓ લટકી પડ્યા છે. ટેકનિકલ કારણો આગળ ધરી ફ્લાઇટ બંધ રાખવાનું સ્પાઇસ જેટ કંપનીને જાણે હાથવગુ બહાનું હોય તેમ દિવસોના દિવસો સુધી હવાઇ સેવા બંધ રાખવામાં આવી રહી છે તેમ છતાં નેતાગીરીનું મૌન તુટતું નથી. આ સામે યાત્રીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ભાવનગર-મુંબઇ-પુના વચ્ચે સ્પાઇસ જેટ દ્વારા વિમાની સેવા પુરી પડાય છે જેમાં મહિનામાં એક-બે વખત તો કોઇ કારણોસર ગુલ્લી મારી દેવાય જ છે તેમાં ગત તા.૧૯મીથી ૨૯ ઓક્ટોબર સુધીમાં માત્ર ૩ દિવસ જ ફ્લાઇટનું સંચાલન કરવાની જાહેરાત થઇ છે. ‘ઓપરેશન રિઝન’ દર્શાવી ભાવનગરથી ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવતી નથી જેના કારણે લોકોને હવે ભરોસો ઉઠી ગયો છે. છેલ્લા દિવસોમાં ધડાધડ ફ્લાઇટ કેન્સલ થયા બાદ ૩૦મીથી રાબેતા મુજબ ફ્લાઇટનું સંચાલન થશે તેવી યાત્રીકોને આશા હતી પરંતુ આગામી ૫ નવેમ્બર સુધી સ્પાઇસ જેટ કંપની દ્વારા બુકીંગ લેવાનું બંધ છે આથી વધુ ૭ દિવસ ફ્લાઇટ રદ્દ રહેશે તેમ માનવું રહ્યું. ખોરંભે ચડેલી વિમાની સેવા સંદર્ભે સ્પાઇસ જેટ કંપની દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવતી નથી આથી છકડા કે રિક્ષા જેવી સર્વિસ હોવાનો યાત્રીકોને અહેસાસ થઇ રહ્યો છે. આ સંદર્ભે ભાવનગર એરપોર્ટ ઓથોરિટીને પણ કોઇ વધુ ખબર હોતી નથી. માત્ર ફ્લાઇટ નથી ચાલવાની એટલી જ જાણ હોય છે !
આગામી દિવાળીના તહેવારો દરમિયાન જ સ્પાઇસ જેટ કંપનીએ ત્રાગા શરૂ કરતા ભાવનગરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અન્ય યાત્રીઓ ભારે પરેશાનીમાં મુકાયા છે. ફ્લાઇટ ધડાધડ કેન્સલ કરી સ્પાઇસ જેટ કંપનીએ તેને ભાવનગર-મુંબઇની વિમાની સેવામાં કોઇ રસ જ નથી તેવો આડકતરો ઇશારો આપી દીધો છે ત્યારે ભાવનગરની નેતાગીરીએ સમયસર જાગીને અવાજ ઉઠાવવાની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે.