ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલ રજાઈ હોલ પાસેના કુવામાં બાળક પડી જતા આ સ્થળેથી પસાર થઈ રહેલા યુવાને બાળકને બચાવવા માટે કુવામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બાળક તેમજ યુવાકને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના સરદારનગરમાં રહેતા હિતેશભાઈ રાજાઈ તેમના પરિવાર સાથે સિંધુનગર હોલ ખાતે કોઈ ફંક્શનમાં ઉપસ્થિત હતા તે દરમિયાન રાજાઇ હોલ નજીક આવેલા કૂવામાં હિતેશભાઈનો નવ વર્ષનો પુત્ર જીગ્નેશ અકસ્માતે પડી ગયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રવિભાઈ ત્રીકમદાસ ધામેચા ( ઉં.વ. ૩૫ ) બાળકને કૂવામાં પડતો જોઈ જતા તેમણે બાળકને બચાવવા માટે કૂવામાં ઝંપલાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ કાફલો સાધનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો અને દોરડાઓની મદદથી બાળક જીગ્નેશ અને યુવાન રવિભાઈને જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા.


