આરબ દેશ કતારની કોર્ટે 8 નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ નિર્ણયથી અમે આશ્ચર્યચક્તિ છીએ અને વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
કતારમાં ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓની જાસૂસીના આરોપમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ ભારતીય નેવીમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેના પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ મામલે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ. આ ઉપરાંત જણાવ્યું હતું કે આ બાબત ખુબ જ ગંભીર હોવાથી અમે તેના પર સતત નજર રાખી રહ્યા છીએ.
જે નેવી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. આ તમામની જાસૂસીના આરોપમાં પૂછપરછ માટે તેમના સ્થાનિક નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ 8 નેવીના અધિકારીઓની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. કતારના અધિકારીઓએ તેની કસ્ટડી વધારી દીધી હતી.
			

                                
                                



