બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે પર આજે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. જેના પગલે પળવારમાં જ પરિવાર વેરવિખેર થઈ ગયો છે.
કારમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જ્યારે અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.